Current Affairs™
June 19, 2025 at 04:49 PM
*સમાસ પરિચય* _________________ દરેક સાહિત્યકારને લેખન માટે શબ્દ, વાક્ય જેવાં ભાષાનાં અંગો તેમજ વ્યાકરણના વિવિધ ઘટકોનો પરિચય હોવો જરૂરી છે. અહીં, સમાસ નામના ઘટકનો પરિચય આપ્યો છે. ___________________ 👉 સમાસ એટલે શું ? સમાસના પ્રકારો અને ઉદાહરણો. સવાલ - ૧ 'સમાસ' એટલે શું? સમજાવો. જવાબ : જુદા જુદા અર્થવાળા બે કે તેથી વધુ શબ્દો કે પદો જોડાઈને એક નવો અર્થ ધરાવતો શબ્દ કે પદ બને તેને 'સમાસ' કહેવામાં આવે છે. સમાસ શબ્દ 'સમ્ + આસ' એટલે કે 'સાથે બેસવું' એ પરથી બન્યો છે. સમાસનાં પદોના મોભા પ્રમાણે અને તેમના એકબીજા સાથેના સંબંધોની દૃષ્ટિએ નીચે પ્રમાણે મુખ્ય પ્રકારો પાડી શકાય. ૧) સર્વપદ પ્રધાન સમાસ ૨) એકપદ પ્રધાન સમાસ ૩) અન્યપદ પ્રધાન સમાસ *(૧) સર્વપદ પ્રધાન સમાસ :* આ પ્રકારના સમાસમાં જોડાયેલાં પદોમાં તમામ પદોનું એટલે કે પૂર્વપદ અને ઉત્તરપદનું મહત્ત્વ એક સરખું હોય છે. ઉદાહરણ: દ્વંદ્વ સમાસ *(૨) એકપદ પ્રધાન સમાસ :* આ પ્રકારમાં જોડાયેલાં પદોમાં એક પદ મુખ્ય હોય છે, વાક્યરચના સાથે તેનો સીધો સંબંધ હોય છે, જ્યારે બીજું પદ તેને આધીન હોય છે. જેના ચાર પ્રકાર નીચે મુજબ છે. (૧) તત્પુરુષ સમાસ (૨) કર્મધારય સમાસ (૩) દ્વિગુ સમાસ (૪) મધ્યમપદલોપી સમાસ *(૩) અન્યપદ પ્રધાન સમાસ :* સમાસના આ પ્રકારમાં સમાસમાં જોડાયેલાં પદોમાંથી કોઈ પણ પદનો અર્થ સાથે સીધો સંબંધ હોતો નથી, પરંતુ ત્રીજો જ અર્થ રજૂ થાય છે. તેના ત્રણ પ્રકાર નીચે મુજબ છે. (૧) બહુવ્રીહિ સમાસ (૨) ઉપપદ સમાસ (૩) અવ્યયીભાવ સમાસ સવાલ-૨ દ્વંદ્વ સમાસને ઉદાહરણ સહિત સમજાવો. જવાબ : દ્વંદ્વ એટલે જોડકું. જુદા-જુદા અર્થવાળા સરખું મહત્ત્વ ધરાવતા શબ્દો જોડાય ત્યારે બનતા સમાસને 'દ્વંદ્વ સમાસ' કહે છે. આ સમાસના ત્રણ પેટા પ્રકાર છે. (૧) સમુચ્ચયદ્વંદ્વ/ ઇતરેતરદ્વંદ્વ = આ સમાસનો વિગ્રહ 'અને', 'તથા' જેવા સંયોજકોમાંથી કોઈ એક સંયોજકથી થાય છે. આ સમાસમાં બન્ને પદ સમાન મોભો કે સ્થાન ધરાવે છે. દા.ત. : રામસીતા વિગ્રહ : રામ અને સીતા વધારાનાં ઉદાહરણ: રામલક્ષ્મણ, ભાઈબહેન, કાકાકાકી, શાકભાજી, રાતદિવસ, નાનુંમોટું, હાથપગ, સ્ત્રીપુરુષ, ગોળઘાણા વગેરે. (ર) વૈકલ્પિકદ્વંદ્વ = જે સામાસિક શબ્દનો વિગ્રહ 'કે', 'અથવા' સંયોજકથી થાય તેને 'વૈકલ્પિકદ્વંદ્વ સમાસ' કહે છે. દા.ત. ચારપાંચ = ચાર કે પાંચ વધારાનાં ઉદાહરણ : લાલપીળું, વહેલુંમોડું, દસબાર, સારુંનરસું, નોકરીધંધો વગેરે. સવાલ- ૩ દ્વિગુ સમાસને ઉદાહરણ સહિત સમજાવો. જવાબ: જે સામાસિક પદમાં પૂર્વપદ સંખ્યાવાચક વિશેષણ હોય અને તેનો વિગ્રહ કરતી વખતે સમગ્રપદ સમૂહનો ભાવ દર્શાવે ત્યારે બનતા સમાસને 'દ્વિગુ સમાસ' કહે છે. આ સમાસ 'કર્મધારય સમાસ'નો જ એક પ્રકાર છે. દા.ત. નવરાત્રિ- પ્રથમ પદ સંખ્યાવાચક 'નવ' સંખ્યા દર્શાવે છે. નવરાત્રિ = નવ રાત્રીઓનો સમૂહ વધારાનાં ઉદાહરણ : ત્રિભુવન, ત્રિકાળ, ત્રિશૂળ, ત્રિપુંડ, ચોપાનિયું, ચોઘડિયું, ચોતરફ, પંચવટી, પંચામૃત, ષટ્કોણ, સપ્તપદી, ત્રિકોણ, પંચાંગ, પંચમહાલ, સપ્તાહ, બારમાસી, સપ્તર્ષિ, ચોમાસું વગેરે. સવાલ-૪ મધ્યમપદલોપી સમાસ સમજાવો. જવાબ: બે પદો વચ્ચે કોઈને કોઈ વિભક્તિસંબંધ રહેલો હોય અને જ્યારે તેમની વચ્ચે રહેલ પદનો લોપ થાય તેને 'મધ્યમપદલોપી સમાસ' કહે છે. દા.ત. ટપાલપેટી ટપાલ (નાખવા માટેની) પેટી વધારાનાં ઉદાહરણ : આગગાડી, શિલાલેખ, દીવાદાંડી, દીવાસળી, બળદગાડું, ઘોડાગાડી, દાળવડાં, બટાકાવડાં, ઘરજમાઈ, ટિકિટબારી, ધારાસભા, કલ્પવૃક્ષ, ધર્મસંકટ, હાથબત્તી, જંગલખાતું, ચિત્રકળા, કામધેનુ, વિજયકૂચ, સિંહાસન, ઊંટલારી, મરણપોક, વર્તમાનપત્ર વગેરે. સવાલ-પ કર્મધારય સમાસ સમજાવો. જવાબ: બે પદો વિશેષણ-વિશેષ્યના સંબંધથી જોડાયેલાં હોય તેને 'કર્મધારય સમાસ' કહે છે. તેમાં પૂર્વપદ વિશેષણ હોય છે અને ઉત્તરપદ વિશેષ્ય હોય છે. -> આ સમાસનાં બંને પદો વચ્ચે ઉપમેય - ઉપમાનનો સંબંધ પણ જોવા મળે છે. -> એક પદ જાતિવાચક સંજ્ઞા હોય અને એક પદ વ્યક્તિવાચક સંજ્ઞા હોય ત્યારે પણ 'કર્મધારય સમાસ' બને છે. -> ક્યારેક વિશેષણ બીજા સ્થાને (ઉત્તરપદમાં) પણ હોય છે. દા.ત. મહાદેવ અહીં 'મહા' એ વિશેષણ છે. મહાન દેવ = મહાદેવ વધારાનાં ઉદાહરણ : મહર્ષિ, મહાત્મા, નરસિંહ, પીતાંબર, મહોત્સવ,કાર્યવિશેષ અતિવૃષ્ટિ, પરદેશ, બાળવય, આડવાત, મહોદધિ, મુખ્યમંત્રી, મહામહેનત, સજ્જન, મહાવીર, મહારુદ્ર, મહારાજા, સંસારસાગર, અમરતકાકી, વિચારમાત્ર વગેરે. સવાલ- ૬ તત્પુરુષ સમાસના પ્રકારો સમજાવો. જવાબ: જેમાં પૂર્વપદ અને ઉત્તરપદ કોઈ પણ વિભક્તિના પ્રત્યયથી જોડાયેલાં હોય તેને 'તત્પુરુષ સમાસ' કહે છે. જેના પ્રકારો નીચે મુજબ છે. (૧) પ્રથમા = શૂન્ય પ્રત્યય અથવા એ, કે, થી પ્રત્યય (૨) દ્વિતીયા = ને (૩) તૃતીયા = થી, થકી, વડે, દ્વારા (૪) ચતુર્થી = ને માટે, ને વાસ્તે, ને સારુ (પ) પંચમી = માંથી, અંદરથી, ઉપરથી (૬) ષષ્ઠી = નો, ની, નું, ના, નાં (૭) સપ્તમી = માં, અંદર, ઉપર, પર, નીચે આ સમાસનો વિગ્રહ કરતાં કોઈ પણ બે પદ વિભક્તિ પ્રત્યયથી જોડાયેલાં હોય તો તે 'તત્પુરુષ સમાસ' બને છે. જેના પેટા પ્રકારો આ મુજબ છે. (૧) કર્તા તત્પુરુષ અથવા પ્રથમા તત્પુરુષ સમાસ પ્રત્યય - શૂન્ય, એ, કે, થી જેમ કે, દેવદીધું = દેવે દીધું વધારાનાં ઉદા. માજણ્યું (૨) કર્મ તત્પુરુષ અથવા દ્વિતીયા તત્પુરુષ સમાસ પ્રત્યય - ને જેમ કે, કૃષ્ણાશ્રિત = કૃષ્ણને આશ્રિત વધારાનાં ઉદાહરણ : નિદ્રાવશ, દયાપાત્ર, મનમાન્યું, પ્રેમવશ, સજાપાત્ર, રાજાશ્રિત વગેરે. (૩) કરણ તત્પુરુષ અથવા તૃતીયા તત્પુરુષ સમાસ પ્રત્યય - થી, થકી, વડે, દ્વારા જેમ કે, ઈશ્વરનિર્મિત = ઈશ્વરથી નિર્મિત વધારાનાં ઉદાહરણ : રસભીનું, સ્વાર્થરહિત, તર્કબદ્ધ, ક્ષુધાતુર, ભયગ્રસ્ત, યોગયુક્ત ગૌરવભર્યા, પદભ્રષ્ટ (૪) તાદર્થ્ય અથવા ચતુર્થ તત્પુરુષ સમાસ પ્રત્યય - માટે, વાસ્તે, સારુ જેમ કે, યજ્ઞવેદી = યજ્ઞ માટેની વેદી વધારાનાં ઉદાહરણ : દેશભક્ત, ભૂતબલિ, કુમારશાળા, યુદ્ધસજ્જ, લગ્નવેદી, કન્યાશાળા, વાટખર્ચી વગેરે. (૫) અપાદાન અથવા પંચમી તત્પુરુષ સમાસ પ્રત્યય - માંથી, અંદરથી, ઉપરથી જેમ કે, ત્રણમુક્ત= ઋણમાંથી મુક્ત વધારાનાં ઉદાહરણ : સ્થાનભ્રષ્ટ, ભયભીત, ધર્મચ્યુત, ઘરબહાર (૬) સંબંધ અથવા ષષ્ઠી તત્પુરુષ સમાસ પ્રત્યયઃ નો,ની, નું, ના જેમ કે, દેવાલય=દેવોનું આલય વધારાનાં ઉદાહરણ : શિવાલય, વિદ્યાલય, મોરપિચ્છ, રાજમહેલ, રાષ્ટ્રધ્વજ, પ્રભુભક્તિ, નગરપતિ, યોગાભ્યાસ, ફૂલહાર, ગિરિશૃંગ, પુત્રજન્મ વગેરે. (૭) અધિકરણ અથવા સપ્તમી તત્પુરુષ સમાસ પ્રત્યય - માં ,અંદર, ઉપર, પર, નીચે જેમ કે, પુરુષોત્તમ = પુરુષોમાં ઉત્તમ વધારાનાં ઉદાહરણ : વનવાસ, વિશ્વવિખ્યાત, કલાનિપુણ, વ્યવહારકુશળ વગેરે. સવાલ -૭ નઞ તત્પુરુષ સમાસ સમજાવો. જવાબ: જે સમાસમાં ન, અ કે એવા કોઈ પૂર્વગથી વિરોધનો ભાવ મળતો હોય એ શબ્દને 'નઞ તત્પુરુષ' સમાસ કહે છે. દા.ત. અધર્મ, અન્યાય, અયોગ્ય, નજોઈતું, નક્ષત્રી, નચિંત, અપ્રિય વગેરે. સવાલ- ૮ અલુક તત્પુરુષ સમજાવો. જવાબ: જે સમાસમાં વિભક્તિનો સંબંધ હોય પણ વિભક્તિ પ્રત્યયનો લોપ ન મળતો હોય એ સમાસને 'અલુક તત્પુરુષ' સમાસ કહે છે. દા.ત. રંગેહાથ, પીછેહઠ, અંતેવાસી, ઘોડેસવાર, ગળેપડું વગેરે. સવાલ-૯ પ્રાદિ તત્પુરુષ સમજાવો. જવાબ: જે સમાસના પૂર્વપદમાં પ્રતિ,કુ, સુ, પ્ર જેવા પૂર્વગ આવતા હોય તે સમાસને 'પ્રાદિ તત્પુરુષ' કહે છે. દા.ત. પ્રતિપક્ષી, પ્રચાર, સુગંધ, કુટેવ વગેરે. સવાલ- ૧૦ ઉપપદ સમાસ સમજાવો. જવાબ જે સમાસમાં પૂર્વપદ સંજ્ઞા (નામ) હોય અને ઉત્તરપદ આખ્યાતિક (ક્રિયા) હોય તેને ઉપપદ સમાસ કહેવાય. -> આ સમાસ અન્ય માટે વિશેષણ તરીકે પ્રયોજાય છે. દા.ત. સત્યવાદી સત્ય - સંજ્ઞા વાદી - ક્રિયા વદ - બોલવું વધારાનાં ઉદાહરણો : જશોદા, નર્મદા, ગૃહસ્થ, પંકજ, અભયદા, નૃત્યકાર, સંગીતકાર, કૃતજ્ઞ, ચિત્રકાર, યશોધરા, સુખદ, વંશજ, વ્યાજખાઉ, જ્ઞાનદા, તટસ્થ, ભાસ્કર, વાંકાબોલી, કુંભકાર, શિલ્પકાર, પૂર્વજ, શુભંકર, કૃતઘ્ન, ભૂધર વગેરે. સવાલ-૧૧ બહુવ્રીહિ સમાસ સમજાવો. જવાબ: કર્મધારય સમાસની જેમ આ સમાસમાં પણ પ્રથમ પદ વિશેષણ અને બીજું પદ વિશેષ્ય હોય છે; પરંતુ કર્મધારય સમાસ હંમેશાં નામ (સંજ્ઞા) તરીકે જ આવે છે, જ્યારે બહુવ્રીહિ સમાસનો પ્રયોગ હંમેશાં અન્ય માટે વિશેષણ તરીકે થાય છે. જેમ કે, (૧) અશોક પીતાંબર ભગવાનની પૂજા કરે છે. (૨) અશોક પીતાંબર પહેરે છે. પ્રથમ વાક્યમાં 'પીતાંબર' (પીળાં છે વસ્ત્રો જેનાં તે - વિષ્ણુ)ની પૂજા કરે છે, એમાં 'પીતાંબર' શબ્દ વિશેષણ તરીકે આવે છે. જ્યારે બીજા વાક્યમાં 'પીતાંબર' (પીળું વસ્ત્ર) સંજ્ઞા તરીકે હોવાથી કર્મધારય સમાસ બને છે. વધારાનાં ઉદાહરણો : પ્રજ્ઞાચક્ષુ, મહારથી, દામોદર, દ્વિરેફ, વીણાપાણિ, શૂલપાણિ, મહાબાહુ, ગૌમુખી, ત્રિકાળજ્ઞાની, મુશળધાર, અજાતશત્રુ, આત્મજ્ઞાની, બહુવ્રીહિ, દિગંબર સવાલ -૧૨ અવ્યયીભાવ સમાસ સમજાવો. જવાબ: જે સમાસનું પ્રથમ પદ અવ્યય હોય અને ઉત્તરપદ નામ હોય તથા આ બન્નેથી બનેલું સમસ્ત પદ ક્રિયા વિશેષણ તરીકે વપરાતું હોય ત્યારે તે શબ્દ 'અવ્યયીભાવ સમાસ' બને છે. દા.ત.પ્રતિદિન, આજીવન, આજન્મ, દરરોજ, દરવખત, યથાવિધિ, અધોગતિ વગેરે. ડૉ. ભીમજી ખાચરિયા બોસમિયા કૉલેજ, જેતપુર
❤️ 👍 😂 5

Comments