HEALTH ALERT
February 11, 2025 at 05:46 AM
પ્રશ્ન : મારો બાબો ૫ વર્ષનો છે. તેને ટીવીમાં કાર્ટૂન જોવા ખૂબ ગમે છે. આખો દિવસ ટીવી સામે કાર્ટૂન જોવા બેસી રહે છે. થોડો સમય થયા તે એટલો જિદ્દી થઈ ગયો છે કે ના પાડીએ તો કજિયા કરે, મારે, અને જમે પણ નહીં. અમારે શું કરવું?
જવાબ: બાળક હમેશા તેને જે ગમે તે કરવા, કરાવવા મથે. પછી ભલે તે તેના સ્વાસ્થ્યને હાનિકારક હોય. તેના માટે શું યોગ્ય છે તે તમારે વિચારવાનું છે અને અમલ કરવાનું છે. કાર્ટૂનમાં ગતિ અને કલ્પના, ભાષા, વિષયનો એવો સમન્વય હોય છે કે તે સૌને આકર્ષી શકે. કાર્ટૂન જોવામાં મગજનો ઉપયોગ બહુ ઓછો કરવાનો થાય છે, તે નિષ્ક્રિય મનોરંજન છે. વાસ્તવિક મનોરંજન જેમ જે વાંચવું, વાર્તા સાંભળવી, રમકડાં જોડવા, ગોઠવવા, રંગ પૂરવા, વગેરે ક્રિયાત્મક પ્રવૃતિમાં મગજનો જટિલ વપરાશ અને વિકાસ થાય છે. બીજુ, રોજ ૨-૩ કલાક ટીવી જોતાં રહેવાથી દિમાગને નિષ્ક્રિય મનોરંજનની આદત પડી જાય છે. દૈનિક પ્રવૃત્તિઓ ધીમી, ગૂંચવણભરેલી,અને કંટાળાજનક લાગવા માંડે છે. વધારે અગત્યની વાત એ કે સ્ક્રીન પર ઝડપથી બદલાતી આકૃતિ, રંગ, અવાજ વગેરે તરંગો મગજના એવા ભાગને ઉતેજીત કરે છે જે આવેશાત્મક અને હિંસાત્મક વર્તન પ્રેરે છે.
તમારા બાળકના વર્તનને ઉપરની માહિતીથી સમજી સકાશે. હવે આ સમસ્યામાંથી નીકળવા માટે સમગ્ર પરિવારે એકજુથ થઈને નીચેની વાતો પર અમલ મૂકવો પડશે.
ઘરના બધાજ લોકો ટીવી જોવાનું બંધ કરે. બાળક જ્યારે નવરું પડે ત્યારે તેને રમકડાં, ગેમ્સ, કાગળ, માટી, રંગ, ચોપડી વગરે તરફ વાળવું. તેની સાથે બાળક બની રમવું. આમ કરશો ત્યારે ઘર અસ્તવ્યસ્ત થશે, ગંદુ પણ થશે.બાળકના મગજમાં ફેલાતી ગંદગી કરતાં ઘરમાં થતી ગંદગી સાફ કરવી અત્યંત સહેલી છે. બદલાવ સામે થોડો સમય બાળક ચિડાશે, બળવો કરશે પણ તેને ગણકાર્યા વગર ચૂપચાપ નવી પ્રવૃતિઓ રજૂ કરતાં રહેવી. તેની ઉમરના બીજા બાળકો સાથે ઘર બહાર કે ઘરની અંદર રમવાની તક આપો. ધીમે ધીમે તે મનોરંજન માટેના સકારાત્મક ઉપાયો તરફ વળશે.
આ અનુભવને શીખ તરીકે યાદ રાખી આપણા તથા પરિવારના ટીવી, ફોન, નેટના વપરાશ વિષે સાવચેત રહેવું.
-ર્ડો નીમા સીતાપરા
મા શારદા હોસ્પિટલ
રાજકોટ
9099608880
👍
👌
✅
❤️
🙏
21