HEALTH ALERT
HEALTH ALERT
February 21, 2025 at 08:47 AM
માઈક્રોબાયોટા માઈક્રોબાયોટા-શું આ શબ્દ તમે સાંભળ્યો છે, મેં તો નથી સાંભળ્યો ! ડેવીડસન ટેક્સ્ટબુક ઓફ મેડીસીન જે એકદમ સ્ટાન્ડર્ડ મનાય છે એમાં એક રેફરન્સ જોતી વખતે આ શબ્દ જોવા મળ્યો અને એના વિષે આગળ વાંચ્યું. માઈક્રોબાયોટા એટલે કોઈ પણ જીવની અંદર જે માઈક્રોઓર્ગેનિઝમ્સ (બેક્ટેરિયા) વસવાટ કરતાં હોય તેઓનો સમૂહ. માણસનાં શરીરમાં કેટલાં બેક્ટેરિયા વસે છે ખબર છે ? આપણે માની ન શકીએ પણ એમની સંખ્યા એકડા ઉપર પંદર મીંડાં ચડાવો એટલી થાય છે !! લખી જોઈએ: 1000000000000000 આ સંખ્યા બેક્ટેરિયાની એક મોટી ઈકોસીસ્ટમ આપણાં શરીરમાં વસતી હોવાનું દર્શાવે છે. ઘોર આશ્ચર્યકારક વાત તો એ છે કે મનુષ્યનાં શરીરના જેટલા કોષો હોય છે એના કરતાં પણ આ બેક્ટેરિયાની સંખ્યા વધારે હોય છે અને જેવી તેવી નહીં, સો ગણી ! યાર, આ વાત માનવી કેટલી મુશ્કેલ છે ! આમાંનાં મોટા ભાગનાં આપણાં આંતરડાંમાં રહે છે. તેઓ આપણી સાથે સહજીવન ગાળે છે, એટલે કે તેઓ આપણને રોગો કે નુકસાન નથી કરતાં પણ વિટામિન B12 બનાવવા જેવાં ફાયદાકારક કાર્યો કરે છે. આ બેક્ટેરિયાની મેટાબોલિક એક્ટિવિટી જો જોવા જાઓ તો એ આપણાં લીવરના જેટલી જ છે. લીવર આપણાં શરીરની સૌથી મોટી ગ્રંથી છે, લીવર એક મોટી ફેક્ટરી છે અને જુદાં જુદાં પાંચસોથી વધુ કાર્યો કરે છે એટલે એનો મેટાબોલિક રેટ ઘણો ઊંચો હોય છે અને આ બેક્ટેરિયાનો સમૂહ આ લીવરની બરાબરી કરે છે ! આ બેક્ટેરિયાનાં જીનોમનો પણ અભ્યાસ થઈ રહ્યો છે અને એને માઈક્રોબાયોમ કહે છે. માનવ માઈક્રોબાયોમ પ્રોજેકટના અભ્યાસથી એ જાણવા મળ્યું છે કે માનવ શરીરમાં આંતરડાં તેમ જ કેટલાક અન્ય ભાગોમાં તેમની કેટલીક વિશિષ્ટ વસાહતો રહે છે. આ વસાહતોમાં ફાયલા મુખ્ય છે અને તેમનાં ફર્મીકયુટીસ, બેક્ટેરિયોડેટસ, પ્રોટીઓબેક્ટેરિયા અને એક્ટિનોબેક્ટેરિયા જેવાં નામો હોય છે. આ બેક્ટેરિયાની સંખ્યા ઘણાં પરિબળો પર આધાર રાખે છે જેમ કે ડાયેટ, દવાઓ, શારીરિક શ્રમ, સ્મોકિંગ, માનસિક તનાવ અને વધતી ઉંમર વગેરે. સામાન્ય રીતે આપણી ઉંમર બે વર્ષની થાય ત્યાં સુધીમાં આપણાં શરીરમાં બધાં બેક્ટેરિયા આવીને વસવા લાગે છે. નવાં સંશોધનો બતાવે છે કે આ બેક્ટેરિયાની સંખ્યામાં કે કાર્યમાં કોઈ ગરબડ થાય તો ઘણા રોગો થઈ શકે છે, જેમ કે પાચનતંત્રના રોગો, જેવા કે આંતરડાંનો સોજો, મોટાં આંતરડાંનું કેન્સર, લીવરના રોગો જેવા કે લીવરનું કેન્સર વગેરે. માત્ર પાચનતંત્રના જ રોગો નથી થતા પણ અન્ય તંત્રોના રોગો પણ થાય છે જેમ કે ડાયાબીટીસ, સ્થૂળતા, હૃદય અને રક્તવાહિનીના રોગો, અસ્થમા અને કેટલાક માનસિક રોગો જેવા કે ડિપ્રેશન પણ. આ માઈક્રોબાયોટા અંગે હજી ઘણાં સંશોધનોને અવકાશ છે અને એ એક મોટી ચેલેન્જ પણ છે. તેઓની હેલ્થ અને રોગો પર ક્યાં ક્યાં, કેટલી અને કયા પ્રકારની અસર થાય છે એ અંગે હજી ઘણું સંશોધન આવશ્યક છે. સંશોધનમાં એવું પણ બને છે કે આ બેક્ટેરિયાને રોગોત્પાદક બેક્ટેરિયાથી અલગ નથી પાડી શકાતાં હોતાં. આ બધી બાબતોનાં સંશોધનો કઈ રીતે કરવાં અને એ માટે કઈ પદ્ધતિઓ અખત્યાર કરવી અને એના પરથી મળતા ડેટાનું એનાલિસિસ કઈ રીતે કરવું એ પણ મોટા પ્રશ્નો છે જેના ઉકેલો ભવિષ્યમાં મળતા જશે અને મેડિકલ સાયન્સની એક નવી દિશા ખૂલી જશે. આ અંગેનું વિજ્ઞાન જ્યારે આગળ વધશે ત્યારે કદાચ ડોકટરો એવાં પ્રિસ્ક્રિપ્શન લખતા થશે કે જેમાં લખ્યું હશે કે બેક્ટેરિયોડેટસની કેપશ્યુલ દિવસમાં બે વખત પંદર દિવસ લેવાની કે પછી ફર્મિક્યુટિસનાં ઈન્જેક્શન અઠવાડિયે એક એમ પાંચ લેવાનાં, વજન ઘટાડવું છે, ફલાણા બેક્ટેરિયાનાં સિરપની ત્રણ ત્રણ ચમચી જમીને પીવાની ! અલબત્ત, આ વસ્તુ નવી નથી અને દહીં, છાશ, આથાવાળા ખાદ્ય પદાર્થો શરીર માટે ઉપયોગી બેક્ટેરિયા ધરાવે છે એ આપણે જાણીએ જ છીએ અને એમને પ્રોબાયોટિક્સ કહેવાય છે. લેકટોબેસીલસ જેવાં બેક્ટેરિયાની કેપશ્યુલ્સ વર્ષોથી વપરાય જ છે. આ લેખ બહુ ન સમજાયો હોય તો વાંધો નહીં, એનો ટૂંકસાર જોઈ લઈએ અને તે એ છે કે આપણાં શરીરમાં આપણા પોતાના કોષો કરતાં પણ વધારે, સો ગણી સંખ્યામાં અનેક પ્રકારનાં બેક્ટેરિયા રહે છે. તેઓ આપણા માટે ઉપયોગી છે, તેમની યોગ્ય ઉપસ્થિતિથી સ્વાસ્થ્ય જળવાઈ રહે છે અને રોગો દૂર રહે છે. આ દિશામાં હજી ઘણું સંશોધન થવું આવશ્યક છે. - ડૉ પ્રણવ વૈદ્ય
👍 9

Comments