HEALTH ALERT
HEALTH ALERT
February 22, 2025 at 11:21 AM
લાગણીઓનું નિયંત્રણ આપણે ગુસ્સો, આનંદ, રાગ, દ્વેષ, ઈર્ષા, હતાશા, ઉત્તેજના, જાતીય આવેગ જેવી લાગણીઓ અનુભવીએ છીએ. લાગણી સાપેક્ષ છે, નિરપેક્ષ નથી. કોઈને ત્યાં બાબો જન્મે તો એને આનંદ થાય તો કોઈને ત્યાં બેબી જન્મે તો એને આનંદ થાય કારણ કે એને પુત્રી જોઈતી હોય. બાંગ્લાદેશમાં પાંચસો માણસો પૂરમાં તણાઈને મરી ગયા એ સાંભળીને આપણને દુઃખ થાય પરંતુ આપણા કાકાને હાર્ટ એટેક આવ્યો એવા સમાચાર આવે તો આપણને વધુ દુઃખ થાય. લાગણી આ રીતે એક કન્ડીશન્ડ રિસ્પોન્સ છે. લાગણી અનુભવનાર મગજ છે. વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જો આ લાગણીઓ, એનો ઉદ્દભવ અને એનું નિયંત્રણ એ બાબતો સમજી હોય તો ચીમ્પ પેરેડોક્સ સમજવો જોઈએ. ધ ચીમ્પ પેરેડોક્સ મુજબ મગજનો લિમ્બીક સિસ્ટમ નામનો એક ભાગ છે એ લાગણી અને આવેશોનું ઉદ્દગમ સ્થાન છે. ચીમ્પ એટલે ચીમ્પાન્ઝી નામનો વાનર. ધ ચીમ્પ પેરેડોક્સ મગજને કાર્યપ્રણાલી મુજબ ત્રણ ભાગમાં વહેંચે છે. (૧) માનવ (૨) ચીમ્પ અને (૩) કોમ્પ્યુટર. (૧) મગજના ફ્રન્ટલ લોબને માનવ, (૨) લિમ્બીક સિસ્ટમને ચીમ્પ અને (૩) પેરાઈટલ લોબને કમ્પ્યુટર કહે છે. અહીં આપણે લિમ્બિક સિસ્ટમ અને ફ્રન્ટલ લોબ એ બે ભાગો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે અને એમને સમજવાના છે. પ્રાણીઓમાં અને આપણામાં એક તફાવત એ છે કે પ્રાણીઓમાં લિમ્બિક સિસ્ટમ જ વિકસેલી છે જે લાગણીઓ, આવેશો અને એને લીધે ત્વરિત એકશન માટે તૈયાર રહે છે. મગજની લિમ્બિક સિસ્ટમમાં લાગણી પેદા થાય છે, લિમ્બિક સિસ્ટમના ભાગો એમીગ્ડેલા, હિપોકેમ્પસ, હાયપોથેલેમસ અને સિંગ્યુલેટ કોર્ટેક્સનું જટિલ નેટવર્ક લાગણીઓની પ્રક્રિયા અને નિયમન માટે જવાબદાર મગજનું ભાવનાત્મક કેન્દ્ર માનવામાં આવે છે. લાગણીઓ પરત્વે કામ કરતા મગજની લિમ્બિક સિસ્ટમના કેટલાક ભાગો અને કાર્યો આપણે જોઈએ. એમિગ્ડેલા: એ ભાવનાત્મક ઉત્તેજનાને ઓળખવામાં અને તેનું અર્થઘટન કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે, ખાસ કરીને ડર અને ધમકીનું વિશ્લેષણ કરીને અને તેમને યાદો સાથે જોડવામાં મદદ કરે છે. હિપોકેમ્પસ: ભાવનાત્મક યાદોને રચવામાં અને પુનઃપ્રાપ્ત કરવામાં સામેલ છે, જે અમુક પરિસ્થિતિઓમાં આપણે કેવું અનુભવીએ છીએ તેને પ્રભાવિત કરી શકે છે. ઈન્સ્યુલા: શારીરિક સંવેદનાઓ પર પ્રક્રિયા કરે છે અને અણગમો, ગુસ્સો અને પીડાની લાગણીઓમાં ફાળો આપે છે. હાયપોથેલેમસ: એ લાગણીઓના પ્રતિભાવ સાથે સંકળાયેલ શારીરિક પ્રતિક્રિયાઓનું નિયમન કરે છે, જેમ કે હૃદયના ધબકારા અને હોર્મોન રિલીઝ. પ્રાણીઓમાં આ લિમ્બિક સિસ્ટમ જ મુખ્યત્વે કાર્ય કરે છે અને તેથી પ્રાણી ભય, આનંદ, ક્રોધ જેવી લાગણીઓ જેવી અનુભવે કે તરત જ પ્રતિક્રિયા આપે છે. આ મગજનો ચીમ્પ પાર્ટ છે જે આપણામાં પણ હોય છે. હવે આવીએ 'માનવ' પાર્ટ ઉપર. પ્રાણીઓ અને આપણામાં તફાવત એ છે કે આપણામાં લિમ્બિક સિસ્ટમ તો છે જ પરંતુ એ ઉપરાંત મગજના એક ભાગ ફ્રન્ટલ લોબનો (લોબ એટલે ખંડ, વિભાગ એ યાદ રાખીશું)‌ પણ વિકાસ થયેલો છે. આ ફ્રન્ટલ લોબનાં કાર્યો જોઈએ. અમલીકરણને લગતાં કાર્યો: આમાં તર્ક, નિર્ણય, સમસ્યાનું નિરાકરણ, સર્જનાત્મકતા, લાગણીઓનું નિયમન અને આવેગ નિયંત્રણનો સમાવેશ થાય છે. વ્યક્તિત્વ: આ લોબ વ્યક્તિત્વનું સ્થાન છે અને વ્યક્તિત્વનાં કેટલાંક પાસાંઓ તેના દ્વારા નિયંત્રિત થાય છે. હલનચલન: આ લોબ ચાલવા અને દોડવા સહિતની સ્વૈચ્છિક હિલચાલને નિયંત્રિત કરે છે. મેમરી: આ લોબ પ્રક્રિયા કરવામાં અને પછીના ઉપયોગ માટે નવી માહિતી જાળવી રાખવામાં મદદ કરે છે. ધ્યાન: આ લોબ ધ્યાનમાં સામેલ છે એટલે કે કોઈ પણ બાબત પર ધ્યાન આપવું એ આ લોબથી થાય છે. નિર્ણય: આ લોબ નિર્ણય લેવામાં, આયોજન અને સ્વ-વ્યવસ્થાપનમાં મદદ કરે છે. સમસ્યાનું નિરાકરણ: ​​આ લોબ સમસ્યાનું નિરાકરણ, તર્ક અને નિર્ણય લેવામાં મદદ કરે છે. હવે તમે સમજશો કે માનવ અને પ્રાણીની વચ્ચે શું તફાવત છે. હવે રસપ્રદ વાત એ છે કે આપણામાં ફ્રન્ટલ લોબ (માનવ) ભલે વિકાસ પામ્યો હોય પરંતુ આપણામાં લિમ્બિક સિસ્ટમ (ચીમ્પ) પણ છે અને કાર્યરત પણ છે જ. ઘણું ખરું તો આપણામાં રહેલા ચીમ્પ અને માનવ વચ્ચે ગજગ્રાહ ચાલ્યા કરતો હોય છે. ચીમ્પ કહે છે કે તું ઝીંકી જ દે જ્યારે માનવ કહે છે અરે નહીં, પહેલાં બરાબર જો, સમજ અને પછી પગલાં ભર. બહુ લાંબું વિવરણ નહીં આપું, જે લોકો વૈજ્ઞાનિક સમજણો પ્રત્યે અભિમુખ હશે એ ઉપરોક્ત વર્ણનથી બધું સમજી જશે. લિમ્બિક સિસ્ટમ (ચીમ્પ)માં જે લાગણીઓ અને આવેશો ઉદભવે છે, એ સીધે સીધા બહાર ફેંકાવા ન જોઈએ, એ માનવ (ફ્રન્ટલ લોબ) માંથી ફિલ્ટર થઈને બહાર જવાં જોઈએ. દેખીતું છે કે જેનો ચીમ્પ વધુ પ્રભાવશાળી એ લોકો અત્યંત લાગણીશીલ અને લાગણીથી દોરવાઈ જનારા હોય તથા ઉદભવેલી લાગણી અનુસાર તરત રિએક્ટ કરનારા હોય જ્યારે જે લોકોમાં માનવ વધુ પ્રભાવશાળી હોય એ લોકો લાગણીઓ અને આવેશો પર નિયંત્રણ ધરાવતા હોય અને શાંતિથી સમજી-વિચારીને એકશન લેતા હોય. એમનામાં લાગણી ઉદભવે અને એ લોકો કોઈ એકશન લે એ બન્ને વચ્ચે એક અંતરાલ હોય. આપણે ચીમ્પ અને માનવ બંને ધરાવીએ છીએ એ સમજવું અનિવાર્ય છે અને તો જ લાગણીઓ શું છે અને એ નિયંત્રિત કઈ રીતે થાય છે એ સમજી શકીએ. આ માટે જરૂરી છે જાગૃતિ. જાગૃત રહેનારો મનુષ્ય આ બન્નેની પ્રક્રિયાને જોઈ શકે છે અને ચીમ્પથી દોરવાઈ જતો નથી. ડૉ પ્રણવ વૈદ્ય
👍 👌 🙏 5

Comments