
HEALTH ALERT
May 29, 2025 at 07:26 AM
*પરમાણુ બોમ્બ થી કેવી રીતે કરશો સ્વ બચાવ?*
https://t.me/DrNehalVaidya/424
આપણે હમણાં જ યુદ્ધનો માહોલ જોયો. વળી, આપણે સરહદી વિસ્તાર હોતાં તેની પૂરી તીવ્રતા અનુભવી. યુદ્ધની પરિસ્થિતિમાં સ્વબચાવ કેવી રીતે કરવો તે માટે આપણું થોડું શિક્ષણ પણ થયું.
ધારો કે, બોમ્બમારો થાય તો કેવી રીતે સ્વબચાવ કરવો એ વિશે પણ સૌને જણાવવામાં આવ્યું. જોકે ભારત અને પાકિસ્તાન બન્ને અણુશસ્ત્રો ધરાવતા દેશો છે. એટલે ક્યાંકને ક્યાંક આપણે સૌએ એ ભય પણ અનુભવ્યો.
હવે યુદ્ધનો માહોલ ખતમ થયો છે.
જોકે સામાન્ય જાણકારી માટે આપણે સૌએ એ જાણવું જોઈએ કે, જો પરમાણુ બોમ્બથી હુમલો થાય તો કેવી રીતે સ્વરક્ષણ કરવું.
*પહેલાં તો એ કહો કે, સામાન્ય બોમ્બ અને પરમાણુ બોમ્બમાં શું ફેર હોય છે?*
સામાન્ય બોમ્બમાં દારૂગોળો હોય છે. જ્યારે તે ફૂટે ત્યારે મોટા ધડાકા સાથે ભારે દબાણવાળું હવાનું મોજું ઉત્પન્ન કરે છે.
તમે જ્યારે સાદો બોમ્બ ફોડ્યો હશે ત્યારે આવું હવાનું મોજું અનુભવ્યું હશે. અસલી બોમ્બમાં સાદા રમતના બોમ્બ કરતાં અનેક ગણો શક્તિશાળી દારૂગોળો હોય છે. આથી તેના વડે ઊભું થતું ભારે દબાણવાળું હવાનું મોજું અનેકગણું તાકાતવાળું હોય છે. આવા મોજાને કારણે ઈમારતો ધરાશાયી થઈ શકે છે. શરીર વિચ્છીન્ન થઈ શકે છે.
જો ધડાકાથી મકાનો દૂર હોય તો બારીના કાચ તૂટી શકે છે. કાનના પડદામાં ઈજા થઈ શકે છે.
ભારે દબાણવાળા હવાનાં મોજાને કારણે તેની આસપાસની વસ્તુઓ તેજ ગતિથી હવામાં ફેગોવાય છે.
સમજો કે, એક સાથે અનેક કચરો, કાંકરા, ભંગાર અને વસ્તુઓ ગોળીની માફક છૂટે છે. આવી વસ્તુઓના રસ્તામાં કોઈ મનુષ્ય આવી જાય તો ગોળીની માફક આ કચરો અને કાંકરા તેનાં શરીરને ચારણીની માફક છેદી નાંખે છે.
*ઓહો, એટલે જ બોમ્બ માટે સાયરન વાગે કે ઘડાકો થાય એટલે તરત જ જમીન પર માથું ઢાંકીને સૂવાનું કહેવામાં આવે છે, બરાબરને?*
હા, તમે બરાબર સમજ્યાં. માથું ઢાંકીને ઊંધા સૂવાથી આવો ઉડતો કચરો અને કાંકરા તમને ઓછામાં ઓછું નુકસાન કરી શકશે અને જો તમારા સદ્દનસીબે તમને ખાડો કે બેઝમેન્ટમાં જવા મળ્યું હશે તો આવા ઉડતા પદાર્થો તમારી ઉપરથી જ પસાર થઈ જશે.
*હા, વડીલો વાત કરતા હતા કે, ૧૯૭૧નાં યુદ્ધ દરમ્યાન ભુજ પર ભારે બોમ્બમારો થયો હતો. એ વખતે સાયરન વાગે એટલે દોડીને ખાડામાં કેમ સૂઈ તેની સૌને તાલીમ મળેલી હતી. સાચું ને?*
હા, તાલીમ પણ મળી હતી અને સાયરન વાગે એટલે લોકો તેનો અમલ પણ કરતા હતા. આ વખતે આપણે બ્લેકઆઉટ માટે જે મોકડ્રીલ કરી તેમાં આપણાં તરફથી ક્યાંકને ક્યાંક કચાશ દેખાતી હતી.
*બોમ્બ ફૂટી ગયા પછી તો વાંધો નહીં ને?*
- મોટાભાગનું બોમ્બ ધડાકાનું નુકસાન બોમ્બ ફૂટતી વખતે જ થઈ જાય છે. જોકે બોમ્બ ફૂટ્યા બાદ જ્યાં સુધી સુરક્ષાનું સાયરન ન વાગે ત્યાં સુધી સ્વબચાવ કરવો. ઊભા થઈ જવાનું નહીં.
- આધુનિક બોમ્બમાં આગ લાગે એવા તત્ત્વો પણ હોય છે. એટલે સુરક્ષાની ખાતરી થાય એ પછી જ ઊભા થવું.
*તો સામાન્ય બોમ્બ અને પરમાણુ બોમ્બમાં ફરક શું હોય છે?*
સામાન્ય બોમ્બમાં દારૂગોળાથી ધડાકો કરવામાં આવે છે, જ્યારે પરમાણુ બોમ્બમાં પરમાણુ શક્તિથી મહાવિસ્ફોટ કરવામાં આવે છે.
આથી સામાન્ય બોમ્બ કરતાં પરમાણુ બોમ્બ દ્વારા થતું નુકશાન અનેકગણું વધારે હોય છે.
- સાચું પૂછો તો આપણો સૂર્ય એક મોટું પરમાણું રિએક્ટર છે. સૂર્યનાં ગર્ભમાં સતત બે હાઇડ્રોજનનાં પરમાણુ ભેગા મળીને હિલિયમમાં પરિવર્તિત થાય છે. આ કારણે આઇનસ્ટાઇના જાણીતાં સૂત્ર E=mc² પ્રમાણે સૂર્યમાં સતત પરમાણુ ઊર્જા છૂટી પડતી રહે છે.
- આ પરમાણુ ઊર્જાને આપણે છેક પૃથ્વી પર સૂર્યપ્રકાશ તરીકે અનુભવી શકીએ છીએ. તેને થર્મલ રેડિએશન કહેવાય છે.
પરમાણુ બોમ્બથી થતા વિનાશને સમજવા માટે સૂર્યને સમજવો જરૂરી હતો એટલે તેની વાત કરી. હવે ફરી પરમાણુ બોમ્બ પર આવીએ.
સૂર્યમાં પરમાણુ શક્તિ સતત ઉત્પન્ન થાય છે જ્યારે પરમાણુ બોમ્બમાં આવી જ શક્તિ સિમિત સમય માટે ઉત્પન્ન થાય છે. આ કારણે મહાવિસ્ફોટ થાય છે.
પરમાણુ વિસ્ફોટ વખતે જે હવાનાં દબાણનું મોજું બને છે તે અનેકગણું શક્તિશાળી હોય છે અને તેની ઝડપ હજારો કિલોમીટરની હોઈ શકે છે.
યાદ કરો બિપરજોય વાવાઝોડાની ઝડપ કેટલાં કિલોમીટરની હતી અને તો પણ એ ઝડપને કારણે આપણને કેટલું નુકસાન થયું હતું ?
*મતલબ પરમાણુ બોમ્બથી સામાન્ય બોમ્બ જેવો જ ધડાકો થાય છે પણ તે ખૂબ મોટા સ્વરૂપે હોય છે એમ જ ને?*
હા, પણ તેમની સરખામણી કરવી હોય તો કદાચ કીડી અને હાથીની સરખામણી જેવી તેમની સરખામણી થાય.
*મહાવિસ્ફોટથી જે નુકસાન થાય તે ઉપરાંત શું થાય છે?*
મહાવિસ્ફોટને કારણે પ્રેશર વેવ બને છે, જે મકાનો, મનુષ્યો અને પ્રાણીઓને એક-બે કિલોમીટરની ત્રિજ્યામાં તહસનહસ કરી નાખે छे. વિસ્ફોટ એટલે કે બ્લાસ્ટની સાથે સાથે બોમ્બ ખૂબ ગરમી ઉત્પન્ન કરે છે.
જેને થમેલ રેડિએશન કહેવાય છે. આ રેડિએશન પ્રકાશની ઝડપે ફેલાય છે અને અડફેટે આવતી દરેક વસ્તુને બાળી નાંખે છે.
થર્મલ રેડિએશન ઉપરાંત પરમાણુ બોમ્બને કારણે ખૂબ ઘાતક પ્રકારનાં કિરણો ઉત્પન્ન થાય છે, જેના સંપર્કમાં આવવાને કારણે અણુ પરમાણુનાં બંધારણમાં ફેરફાર થઇ જાય છે.
આવા રેડિએશનને વૈજ્ઞાનિક ભાષામાં આયોનાઇઝિંગ રેડિએશન કહેવાય છે. આ કિરણો એવા હોય છે જે દીવાલની આરપાર પણ જઈ શકે છે. ટૂંકા ગાળે આવા રેડિએશનને કારણે મનુષ્યોમાં “રેડિએશન સિકનેસ' નામની બિમારી થાય છે.
લાંબા ગાળે આજ રેડિએશનને કારણે કેન્સરનું જોખમ વધી જાય છે.
*ઓહો, આ તો મહાભયાનક વિનાશ થાય છે. અચ્છા ડોક્ટર, વ્હોટ્સએપના એક મીડિયામાં અમે જોયું હતું કે, પરમાણુ બોમ્બ ફૂટ્યા બાદ સ્વબચાવ માટે પોતાનું જ સંઘરેલું પાણી અને ખોરાક લેવા એમ કહેવામાં આવ્યું હતું. શું તે સાચી વાત છે ?*
હા, સાચી વાત છે. આમ કરવાનું કારણ જાણવા જેવું છે. જ્યારે મહાવિસ્ફોટ થાય છે ત્યારે આગળ કહ્યું તેમ ધડાકા ઉપરાંત સૂર્યની માફક થર્મલ રેડિએશન નીકળે છે. આના ઉપરાંત આયોનાઇઝિંગ રેડિએશન પણ નીકળે છે.
આ પ્રકારનું રેડિએશન તેની ઝપટમાં આવતા બધા જ પદાર્થોને રેડિઓએક્ટિવ બનાવી દે છે. આમ, તેની ઝપટમાં આવતાં ખોરાક અને પાણી પણ દૂષિત થઇ જાય છે. આ કારણે આવા ખોરાક-પાણી વાપરવાલાયક રહેતા નથી. આથી જ્યારે આવા સંજોગો ઊભા થાય ત્યારે પોતે સાચવેલા ખોરાક-પાણી જ વાપરવા જોઇએ.
*એક જગ્યાએ અમે વાંચ્યું હતું કે, માત્ર ખોરાક-પાણીની નહીં પણ દરેક વસ્તુ दूषित થઈ જાય છે. શું આ વાત સાચી છે?*
હા વિસ્ફોટના સ્થળેથી ધૂળ, અન્ય કણો રેડિયોએક્ટિવ બને છે અને તેઓ વાતાવરણમાં ભળે છે. સમયાંતરે તેઓ પૃથ્વી પર પાછા પટકાય છે.
આ ઘટનાને વૈજ્ઞાનિક ભાષામાં ન્યુક્લિયર ફોલ આઉટ કહે છે. આ ફોલ આઉટની ઘટના વિસ્ફોટ બાદ મહિનાઓ સુધી ચાલી શકે છે.
એ વાતાવરણ તેમજ પવનની પરિસ્થિતિ પ્રમાણે દૂર દૂર સુધી જઈ શકે છે.
*અચ્છા ડોકટર ધારો કે, ને આપણા શહેરથી ૧૦૦ કિલોમીટર દૂર પરમાણુઓ વિસ્ફોટ થાય તો શું આપણને તેની અસર થાય?*
- દરેક પરમાણુ બોમ્બ જે નુકસાન કરે છે તેની કેટલી ત્રિજ્યા હશે તેનો આધાર બોમ્બની તાકાત અને વાતાવરણની પરિસ્થિતિ પર છે.
- તેમ છતાં સામાન્ય સમજ માટે કહી શકાય કે, પરમાણુ વિસ્ફોટનાં કેન્દ્રથી ૨-૩ કિલોમીટરની ત્રિજ્યામાં સંપૂર્ણ વિનાશ થાય છે. કંઇ જ બચતું નથી.
- એ પછી લગભગ ૧૦ કિલોમીટરની ત્રિજ્યા સુધી મધ્યમ નુકસાન થાય, જેમાં લોકોને ગંભીર ઇજાઓ થાય અને ઇમારતોને ખૂબ નુકસાન જોવામાં આવે.
- વિસ્ફોટનાં કેન્દ્રથી વધુ દૂર નુક્સાન સૌથી ઓછું હોય છે. જોકે આર્યાનાઈઝિંગ રેડિએશન અને ન્યુક્લિયર ફોલઆઉટની અસરો દૂર સુધી પહોંચી શકે છે.
આ આંકડા હિરોશીમા અને નાગાસાકી પર પડેલા પરમાણુ બોમ્બ પરથી મળેલા છે.
આજના દિવસે તે વખતના પરમાણુ બોમ્બ કરતા અનેકગણા વધુ શક્તિશાળી પરમાણુ બોમ્બ બની ગયા છે. હાઇડ્રોજન બોમ્બ તરીકે ઓળખાતા પરમાણુ બોમ્બ ૧૦થી ૨૦ કિલોમીટરની ત્રિજ્યામાં સંપૂર્ણ વિનાશ કરી શકે છે. મધ્યમ નાશની ત્રિજ્યા તેથી પણ મોટી હોય છે.
આમ, આપણાથી ૧૦૦ કિલોમીટર દૂર જો પરમાણુ વિસ્ફોટ થાય તો આપણા પર તેની મધ્યમથી હળવી અસર આવી શકે છે.
*પરમાણુ બોમ્બનો હુમલો થાય ત્યારે સ્વબચાવ માટે શું શું કરી શકાય?*
હુમલાનો આગોતરો અણસાર હોય તો ખોરાક પાણી સંઘરવાનું કામ થઈ શકે છે. આ ઉપરાંત જમીનથી જેમ બને તેમ ઊંડા આશ્રયસ્થાનો પણ શોધીને ત્યાં પહોંચવાની વ્યવસ્થા વિચારી શકાય છે.
- જો હુમલો અચાનક જ થયો હોય તો સ્વબચાવ માટે ઝાઝું કરી શકાતું નથી. વિસ્ફોટનાં કેન્દ્રની આસપાસ તો સંપૂર્ણ વિનાશ થશે.
- કોઈ પણ સ્વબચાવની યુક્તિ કામ લાગશે નહીં.
- જો તમારું સ્થળ મહાવિસ્ફોટનાં કેન્દ્રથી ઘણું દૂર હર્શ તો તમે મધ્યમથી હળવા નુકસાનની ત્રિજ્યામાં હશો.
- આવે વખતે આટલું કરી શકાય:
- (૧) બને એટલી જાડી દીવાલો અને છત નીચે અથવા તો બેઝમેન્ટ કે ભૂગર્ભ મેટ્રો સ્ટેશન જેવી જગ્યાએ આશરો લેવો. આવી જગ્યાએ પ્રથમ વિસ્ફોટની અસર ઓછી હોવા ઉપરાંત થર્મલ રેડિએશન અને આયોનાઇઝિંગ રેડિએશનની અસરો પણ ઓછી થાય છે.
- (૨) વિસ્ફોટ બાદ હવા પણ દૂષિત થઇ જાય છે એટલે આશ્રય સ્થાનના બારી-બારણાં ૨૪થી ૪૮ કલાક બંધ રાખવા છે. નિષ્ણાતોનું માનીએ તો ફાટમાંથી આવતી હવા રોકવા માટે ટેપ લગાવવાની સલાહ આપવામાં આવી છે.
- (૩) જો તમે વિસ્ફોટ વખતે બહાર હો અને એ પછી આશ્રય સ્થાનમાં આવ્યા હો તો તમારે બહાર પહેરેલાં કપડાં બહાર જ કાઢી નાખવા પડશે અને જો વ્યવસ્થા હોય તો સુરક્ષિત કરેલાં પાણી અને સાબુથી નહાઇ લેવું પડશે. આમ કરવાથી તમને રેડિએશન સિકનેસ થવાનું જોખમ ઓછું થશે.
- (૪) ખોરાક અને પાણીને ઢાંકીને રાખો જેથી તેમાં રેડિયોએક્ટિવ કણો પડે નહીં.
- (૫) વિસ્ફોટ વખતે ઇલેક્ટ્રોમેગ્નેટિક પલ્સ પણ ઉત્પન્ન થાય છે. તેનાં કારણે ઈલેક્ટ્રોનિક સાધનોને પારાવાર નુકસાન થાય છે. આવું ઓછું થાય એ માટે તેમનો પાવર સપ્લાય બંધ કરી દ્યો.
નસીબ સારા હશે તો તમને બચાવવા માટે સરકારી મદદ આવી જશે અને એમની સૂચના પ્રમાણે જ આગળ વર્તવાનું થશે.
*૦ અચ્છા ડોક્ટર, પરમાણુ વિસ્ફોટની લાંબાગાળાની અસરો કેવી હોય છે?*
આ સવાલ સમજવા માટે આપણે અણુબોમ્બના ભોગ બનેલાં જાપાનના હિરોશીમા અને નાગાસકીનો જ જીવતો દખલો લઈએ.
મહાવિસ્ફોટ પછી તરત જ અને તેના થોડા મહિનામાં જ ૧,૪૦,૦૦૦ લોકો હિરોશીમા અને ૪૦,૦૦૦ લોકો નાગાસાકીમાં મૃત્યુ પામ્યા. તેઓ સંપૂર્ણ વિનાશવાળી ત્રિજ્યામાં હતા.
મહાવિસ્ફોટ વખતે જે લોકો જીવતા બળી ગયા હતા તેમને રેડિએશન સિકનેસ થઇ હતી. આ બિમારીમાં ઉલ્ટી-ઉબકા, વાળ ખરવા જેવા લક્ષણો આવે છે.
લાંબાગાળે જે લોકો આયોનાઇઝિંગ રેડિએશનનો ભોગ બન્યા હતા, તેમને લ્યુકેમિયા એટલે કે લોહીનું કેન્સર તેમજ થાઇરોઇડ, ફેફસાં અને સ્તન કેન્સર થવાનું પ્રમાણ વધી ગયું હતું. વિસ્ફોટનાં પાંચ-છ વર્ષમાં લ્યુકેમિયાના કેસ વધ્યા. જ્યારે લગભગ ૧૦ વર્ષ બાદ બીજા કેન્સરના કેસ વધ્યા.
કેન્સર ઉપરાંત એનેમિયા અને મોતિયાનું પ્રમાણ પણ ભોગ બનેલાં લોકોમાં વધુ જોવા મળ્યું.
-જે લોકોએ પરમાણુ બોમ્બની ત્રાસદી નજરે જોઈ હતી, તેવા લોકોમાં પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસોર્ડર નામના માનસિક રોગનું પ્રમાણ ઉપરાંત ડિપ્રેશન અને ચિંતાનું પ્રમાણ પણ જોવા મળ્યું હતું.
*ટેક કેર : પરમાણુ યુદ્ધ એટલે સૌનો વિનાશ. જીવ માત્રનો વિનાશ. સમગ્ર પર્યાવરણનો વિનાશ. પૃથ્વીનો વિનાશ. આવું ક્યારેય ન બને તેવી પ્રાર્થના કરીએ.*
👍
🙏
8