HEALTH ALERT
HEALTH ALERT
May 30, 2025 at 05:50 AM
શું અમરત્વ પ્રાપ્ત થશે ? જોયું, ગલગલિયાં થવા લાગ્યાં ને ? કોઈને મરવું નથી ! ભવિષ્યવેત્તા અને ભૂતપૂર્વ ગુગલ એન્જિનિયર રે કુર્ઝવીલ માને છે કે ટેકનોલોજીમાં ઝડપી પ્રગતિને કારણે માનવી ૨૦૩૦ સુધીમાં અમરત્વ પ્રાપ્ત કરી શકે છે. તેઓ દાવો કરે છે કે તેમની ૧૪૭ આગાહીઓમાંથી ૮૬% પહેલાંથી જ સાચી પડી છે અને તેઓ શાશ્વત જીવનની ચાવી તરીકે નેનોબોટ્સ પર દાવ લગાવી રહ્યા છે. તેમના પુસ્તક ધ સિંગ્યુલારિટી ઇઝ નીયરમાં, કુર્ઝવીલે કહ્યું છે કે જિનેટિક્સ, રોબોટિક્સ અને ખાસ કરીને નેનોટેકનોલોજીમાં પ્રગતિ આપણને આ દાયકાના અંત સુધીમાં વૃદ્ધત્વ અટકાવવા અને રોગને દૂર કરવામાં મદદ કરી શકે છે. આ સૂક્ષ્મ રોબોટ્સ શરીરના કોષોને અંદરથી સુધારશે. નેનોબોટ્સ, નેનોસ્કેલ પર કાર્યરત નાના રોબોટ્સ હોય છે, કહેવાય છે કે તેઓ મેડિકલ સાયન્સમાં ક્રાંતિ લાવવા માટે સક્ષમ પૂરવાર થશે, તેઓ દવા વિતરણ, નિદાન અને સારવારમાં અનેક ગણી પ્રગતિ લાવશે. તેમને ચોક્કસ રોગોને લક્ષ્ય બનાવવા, ચોકસાઈ સાથે ઉપચાર આપવા અને શરીરનાં સ્વાસ્થ્ય ઉપર નિગરાની રાખવા માટે પણ ડિઝાઈન કરી શકાય છે. એક નાનું ઉદાહરણ લઈએ તો તેઓ હૃદયની આર્ટરીઓને સતત સાફ રાખશે જેથી તેમાં કશું જામી નહીં જાય અને પરિણામે હાર્ટ એટેક નિવારી શકાશે. આવાં તો એ અનેક કાર્યો કરી શકશે. તેમને શરીરની અંદર ફરતા ગાર્ડઝ, સફાઈ કામદાર કે મિકેનિક કહી શકાય. તેમણે એવી પણ આગાહી કરી છે કે ૨૦૨૯ સુધીમાં AI માનવ બુદ્ધિમત્તા સાથે લગોલગ આવી જશે અને ૨૦૪૫ સુધીમાં, માનવ અને AI મર્જ થઈ જશે, આપણી મગજશક્તિને એવી રીતે સુપરચાર્જ થશે કે જે આપણે ક્યારેય જોઈ નથી કે જેની કલ્પના પણ નથી કરી. કુર્ઝવેઇલનો ટ્રેક રેકોર્ડ મજબૂત છે, તેણે આગાહી કરી હતી કે IBMનો ડીપ બ્લુ ૨૦૦૦ સુધીમાં વિશ્વ ચેસ ચેમ્પિયનને હરાવી દેશે (જે તેણે ૧૯૯૭માં જ કરી બતાવ્યું હતું) અને લેપટોપ ૨૦૨૩ સુધીમાં મગજ જેટલાં સ્ટોરેજ સ્તર સુધી પહોંચશે, જે તાદૃશ થયેલું આપણે જોઈએ છીએ. ટેકનોલોજીકલ સીંગ્યુલારિટી જ્યાં મશીનો માનવ બુદ્ધિમત્તાને વટાવી જાય છે એવા વિચારને લોકપ્રિયતા મળી છે, સોફ્ટબેંકના CEO જેવા અન્ય ટેક જાયન્ટ્સ સંમત થયા છે કે ૨૦૪૦ના દાયકા સુધીમાં આ કક્ષા આવી જઈ શકે છે, અલબત્ત, દરેક વ્યક્તિ તેમાં સહમત નથી. એલોન મસ્ક અને અન્ય લોકોએ ચિંતા વ્યક્ત કરી છે કે યોગ્ય નિયમન વિના AI ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. કુર્ઝવીલનું રોગમુક્ત, સંભવતઃ અમર ભવિષ્યનું બોલ્ડ વિઝન, ટેકનોલોજી આપણને ક્યાં લઈ જઈ રહી છે - અને આપણે તૈયાર છીએ કે કેમ તે અંગે મોટા પ્રશ્નો ઉભા કરી રહ્યું છે. પોતાનાં પુસ્તકો સેપિયન્સ, એ બ્રીફ હિસ્ટ્રી ઓફ મેનકાઈન્ડમાં મહાન ઈતિહાસકાર અને એક જીવંત દંતકથા સમાન લેખક યુવલ નોઆહ હરારી પણ એવું કહે છે કે ૨૦૫૦ સુધીમાં કુદરતી મૃત્યુ જેવું કશું બાકી નહીં રહે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ: વૈજ્ઞાનિક સમુદાય સામાન્ય રીતે સંમત થાય છે કે દવા અને ટેકનોલોજીમાં પ્રગતિ દ્વારા માનવીઓ લાંબુ અને સ્વસ્થ જીવન જીવી શકે છે પરંતુ પૂરું અમરત્વ એમ હાથમાં આવી જવું શક્ય નથી લાગતું. વૃદ્ધત્વ એક કુદરતી પ્રક્રિયા છે, અને જ્યારે સંશોધકો વૃદ્ધત્વની પ્રક્રિયાને ધીમી કરવા અથવા તેને ઉલટાવી દેવાના માર્ગો શોધી રહ્યા છે, ત્યારે વૃદ્ધત્વ અને મૃત્યુની સંપૂર્ણ નાબૂદીનો વિચાર હજુ ખૂબ જ અનુમાનિત છે. જીવનને પહેલાં કરતાં ઘણું વધારે લંબાવી શકાયું છે અને હજી પણ લંબાવી શકાશે પણ અમરત્વ..... હવે આ તો બધી ભવિષ્યવાણીઓ છે પરંતુ ભવિષ્યની હકીકત ભવિષ્યમાં જોવા મળશે, અત્યારે તો દિલ કો બહેલાને કે લિયે ખયાલ અચ્છા હૈ ગાલિબ એમ જ સમજવું રહ્યું ! જો અમર થયા તો બીજું તો જે થાય તે પણ આ સોશ્યલ મીડિયા પર આજીવન લખતા અને વાંચતા રહેવું પડશે ! સંકલન અને રજૂઆત ડૉ પ્રણવ વૈદ્ય
👍 👌 9

Comments