HEALTH ALERT
June 11, 2025 at 02:34 AM
અરે તેલ લેવા જાય તેલ:
ઘણાં વર્ષો પહેલાંની વાત છે. હું બસમાં ભૂજથી નડિયાદ જતો હતો. બાજુમાં જે બેઠો હોય એની સાથે વાત કરવાની ટેવ એટલે એ મૂજબ એક સાઉથ ઇન્ડિયન સાથે વાત ચાલુ કરી તો એણે કહ્યું કે પોતે એક એન્જીનીયર હતો અને ભૂજ પોતાની કંપનીનાં કામ માટે આવ્યો હતો. તેણે પોતાની હોટલ વિષે વાત કરતાં કહ્યું કે જે હોટલમાં તે જમતો હતો એ ખૂબ સારી હોટલ હતી પણ એને ખોરાકમાં તેલ ખૂબ વધારે લાગ્યું એટલે એને થયું કે આ હોટલ એટલી સારી નથી અને એટલે એ વધુ મોંઘી હોટલમાં ગયો અને તો ત્યાં તો એનાથી પણ વધારે તેલ !! મેં એને એનું કારણ સમજાવ્યું અને કહ્યું કે અહીં ગુજરાત અને એમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છમાં તો જેમ તેલ વધારે તેમ રસોઈ વધારે સારી ગણાય. એ તાજજુબ થઈ ગયો !
હા, ખૂબ વધારે તેલ ખાઈએ છીએ આપણે, જરૂરિયાત કરતાં ક્યાંય વધારે !
ભોજન બનાવવામાં તેલનો ઉપયોગ કરવો જોઈએ કે નહીં, તેલ જરૂરી છે કે નહીં એ વિષય ઉપર તમને એટલી બધી વિરોધાભાસી વસ્તુઓ મળે કે જો તમે એક તરફ ખેંચાઈ જાવ તો આજીવન એકલાં તેલ ઉપર રહો અને જો બીજી તરફ ખેંચાઈ જાવ તો આજીવન તેલનો ત્યાગ કરો !
આ ઓછું હોય તેમ તેલ પાછાં અનેક પ્રકારનાં છે એટલે એમાં પાંચસો પ્રકારનાં પેટા મતમતાંતરો હાલી નીકળે છે. આ તેલ સારું છે, આ ખરાબ છે, આમાં મુફા છે ને આમાં પૂફા છે, આમાં ઓમેગા થ્રી છે ને તેમાં ઓમેગા સીક્સ છે, આમાં ખૂબ ટ્રાન્સ ફેટ છે અને પેલાંમાં ઓછી છે....આ વર્ણનો પૂરાં થતાં જ નથી અને જેમ તમે વાંચો એમ કન્ફ્યુઝન વધે છે. કોઈ કહે કે કોકોનટ ઓઇલ સારું, કોઈ કહે કે સૂર્યમુખી સારું, કોઈ કહે કે ઓલીવ ઓઇલ જ શ્રેષ્ઠ તો કોઈ કહે એક્સ્ટ્રા વર્જીન ઓલીવ ઓઇલ જ સારું, કોઈ કહે કે આ બધી પરદેશની વાતો છે, આપણા દેશમાં ઓલીવ ઓઇલ ખવાય જ નહીં, આ બધો ડેટા બ્રિટનનો છે. કોઈ કહે કે ફિલ્ટર્ડ તેલ તો અડાય જ નહીં, ફિલ્ટર્ડ તેલમાં બોત્તેર કેમિકલ્સ હોય છે, ઘાણીનું જ તેલ ખવાય. આ ઓછું હોય તેમ ક્યાં તેલનું બોઇલિંગ પોઇન્ટ કેટલું છે એના ઉપર મગજમારી શીફ્ટ થાય અને કોકોનટ ઓઇલની હિમાયત કરવામાં આવે .....આ પૂરું થતું જ નથી. આટલી માથાકૂટ કર્યા પછી કોઈ નીકળી પડે કે કરડીનું જ તેલ ખવાય, ત્યારે તો એમ થાય કે એની ડોકી જ મરડી નાખીએ !! દરેક માણસ આ બધી લપ વાંચીને એક ખાસ તેલની પસંદગી કરે છે, એ જ ખાય છે અને પોતાની સમજણ મૂજબની વિચિત્ર વૈજ્ઞાનિક હકીકતો રજૂ કરીને એની જ હિમાયત કરે છે.
તો કરવું શું ? આટલું કન્ફ્યુઝન તો છે જ અને એમાંય આ લેખ હજી આગળ વાંચીને એમાં વધારો કરવો ? ના, હું એ વધારવા નથી માંગતો પણ કેટલાક પોઇન્ટ્સ સંક્ષિપ્તમાં રજૂ કરું છું, નિર્ણય તમારો.
* જો જીવનનો ખેલ જલ્દી ખલાસ ન કરવો હોય તો તેલનો ઉપયોગ બને એટલો ઘટાડી દો. તેલ એ સારી વસ્તુ તો નથી જ અને આ તેલ સારું ને પેલું તેલ સારું , આમાં આ છે અને તેમાં તે છે એ લપમાં પડવા જેવું નથી, બધાં તેલ ચોરના ભાઈ ઘંટીચોર છે. જ્યાં જે તેલનો ચાલ હોય એ લઈ શકાય પણ બને તેટલું ઓછું. કેટલાક બુદ્ધિશાળી મહાત્માઓ એમ પણ કહે છે કે ઘરમાં અલગ અલગ પ્રકારનાં તેલ રાખવાં અને એ રીતે વાપરવાં તો નુકશાન નહીં થાય.
* રસોડું ખરેખર તો એક લેબોરેટરી છે, ત્યાં બધી વસ્તુઓ ચોક્કસ માપથી વપરાવી જોઈએ પણ આપણે એમ નથી કરતા અને ચપટી, મૂઠી, વાડકો, પ્યાલો, ચમચી, પાવળું એવાં બધાં માપ હોય છે અને ઘરે ઘરે અલગ અલગ હોય છે, એ જે હોય તે પણ આપણે તેલનું માપ ચમચીથી કાઢવાનું રાખો, પાવળું દૂર કરી નાખો.
* તેલ એ કોઈ ખોરાક નથી, એ સ્વાદ માટે જ છે, બાકી તો એક ચમચો તેલ એટલે લગભગ ૧૨૦ કેલરી અને માત્ર કેલરી જ, બીજું કશું જ નહીં અને એટલે વજન ઉતારવા માંગતા હોય એનો મોટો શત્રુ જ. માણસો કહેતા હોય છે "હું કંઈ જ ખાતો નથી, માત્ર ત્રણ રોટલી અને એક જ વાડકી શાક, બસ." પણ ભાઈ, તેં એ શાકમાં તેલનું પ્રમાણ જોયું છે ? પોણી વાડકી તેલ હોય છે અને એમાં બટેટાના ત્રણ ટૂકડા સ્વીમીંગ શીખતા હોય છે ! તેલ જેવી ભયાનક વસ્તુ વિષે માપ કોઈ રાખતું જ નથી !
* તળેલી વસ્તુ ખૂબ ઓછી અથવા તો બંધ જ કરી દેવી. તેલની કેલરી એમાં ભળે છે એ તો છે જ પણ બીજી વાત એ કે તેલનું તાપમાન ખૂબ ઊંચું જાય છે અને તેથી એ ખોરાકનાં બધાં પોષક તત્વોને તેલ બાળી નાખે છે. પાણી ૧૦૦ ડિગ્રી સેન્ટિગ્રેડ સુધી જાય છે, જ્યારે તેલ ૩૦૦થી ૩૫૦ સુધી જાય છે. તળેલી વસ્તુઓમાં ખૂબ કેલરી હોય છે, ઉપરાંત તેમાં ટ્રાન્સ ફેટ અને LDL કોલેસ્ટેરોલ નામની ખતરનાક વસ્તુઓ હોય છે જે ડાયાબિટીસ, હાર્ટ એટેક, પેરેલિસિસ જેવી ઘટનાઓ કરી શકે છે. ડાયાબિટીસવાળાઓ એક બહુ ખોટી સમજણ પર ચાલે છે કે મીઠાઈ ન ખવાય પણ ફરસાણ તો ખવાય, એમાં ખાંડ ન હોય. તેઓ જલેબીને અડે જ નહીં પણ અડધો કિલો ગાંઠિયા બિન્દાસ ઝાપટી જાય ! થેપલાં, પૂરી વગેરેને એ લોકો ડાયાબિટીસ માટે બિલકુલ યોગ્ય ગણે !
બોટમલાઈન એ છે કે પ્રોસેસ્ડ વસ્તુઓ સારી નથી અને તેલ પ્રોસેસ્ડ વસ્તુ છે. તેલનો ઉપયોગ ખૂબ ઘટાડી દો. રેસીપીઓ ખૂબ ઓછાં તેલવાળી શોધો અને જે રેસીપીઓ છે એમાંથી તળેલી રેસીપીઓ કાઢી નાખો અને જે સાદી રેસીપીઓ છે એમાંથી તેલનું પ્રમાણ એકદમ ઘટાડી નાખો. ચમચીઓથી ગણતરી કરવા લાગો. ખૂબ તેલ ખાઈએ છીએ આપણે, અરે, જે ખાખરા આપણે 'ડાયેટિંગ' માટે બજારમાંથી લાવીએ છીએ એ પણ કોઈ ફરસાણને ટક્કર મારે એવી રીતે તેલમાં બનાવ્યા હોય છે. બનાવનારાઓ લુચ્ચા છે અને આપણે દંભી છીએ એટલે આવા ખાખરાઓ નીકળી પડ્યા છે.
ઘણાં મોડિફિકેશન્સ થઈ શકે, જેમ કે ઢોસા કે ઉત્તપમ સાવ તેલ વગરનાં બની શકે. રોટલી પણ મોણ વગર બની શકે વગેરે. બહાર ખાવાનું યથાશક્ય ટાળો.
સ્વાદ માટે મસાલાઓનો ઉપયોગ વધારો. આમ કરવાથી તેલના સ્વાદની કમી પૂરી થશે. ચટણીઓ જેમ કે લીલી ચટણી, લસણની ચટણી, આમલીની ચટણીનો ઉપયોગ વધારો. કેચપમાં ખૂબ સ્યુગર અને વીનેગાર હોય છે. એ પણ યાદ રાખો કે વધુ પડતી સ્વાદવૃત્તિ ઓવર-ઈટીંગ તરફ જ લઈ જાય છે. આમ છતાં કોઈકને એમ લાગતું હોય કે તેલની શરીરને જરૂર તો ખરી જ, તો મગફળી ખાઓ, તેલ તો મળશે જ પણ સાથે પ્રોટીન અને અન્ય ઉપયોગી તત્વો પણ મળશે, તલ ખાઓ.
બહુ અઘરું છે, બહુ જ અઘરું છે પણ હકીકતો તો આ જ છે.
થોડાં વર્ષો પહેલાં ગાંધીનગર સ્તરે એક સેમિનાર એટેન્ડ કર્યો હતો એમાં એક ચોંકાવનારી વાત રજૂ કરાઈ હતી કે ઘણાં વર્ષો પહેલાં ખોરાકમાં તેલનો ચાલ હતો જ નહીં, બટર કે ઘી જ ફેટ તરીકે વપરાતાં. એવું પણ સંશોધન છે કે તેલ એ અમુક અંશે પોઇઝનસ વસ્તુ છે અને બીમાં તે એટલે હોય છે કે પ્રાણીઓ તેને બહુ ખાઈ ન શકે. તેલીબિયાંમાંથી તેલ કાઢવામાં તો આવતાં પણ તેનો ઉપયોગ રંગો બનાવવામાં જ થતો. આ પછી કોઈકે પેટ્રોલિયમમાંથી રંગો બનાવવાની સરળ પદ્ધતિ શોધી કાઢી અને આ તેલ એ માટે નકામાં થઈ ગયાં. તેલ ઉત્પન્ન કરનારી મોટી મોટી લોબીઓ હતી અને એમણે ખૂબ પોલિટિકલ પ્રેશર ઉત્પન્ન કર્યું અને નક્કી થયું કે આ તેલ લોકોને ખવડાવો, એમાં કોલેસ્ટેરોલ નથી અને હર્બલ છે, પ્રાણીજ ચરબી નથી એટલે એ જ ખાવું જોઈએ એવો પ્રચાર કરો - અને આ જ રીતે દુનિયા તેલ ખાતી થઈ ગઈ અને હાર્ટના રોગો, હાઈ બ્લડ પ્રેશર, પેરેલીસીસ વગેરે રોગો ખૂબ જ વધી ગયા. હવે વૈજ્ઞાનિક સમજણો બદલાઈ છે અને કહે છે કે કોલેસ્ટેરોલ એવું નુકશાન નથી કરતું, તેલ જે જનરલ ઈનફ્લેમેશન કરે છે એ જ નુકશાનકારક છે. આ સેમિનાર એટેન્ડ કર્યા પછી મેં દોઢ વરસ સુધી તેલનું એક ટીપું પણ ખાવાનું બંધ કર્યું હતું !
- આ વાતમાં કેટલું તથ્ય છે એ તો સંશોધનનો વિષય છે અને હું દાવા સાથે કશું નથી કહેતો પણ તેલ કોઈ બહુ સારી વસ્તુ તો નથી જ. એક સમયે મેં વાંચ્યું હતું કે ગળાનાં કેન્સરના એશિયાના ૨૫ ટકા એકલું ગુજરાત કવર કરે છે !! ખૂબ જ તેલ અને લાલ મરચાંના વપરાશને કારણે. આ જૂનો ડેટા છે, હવેની ખબર નથી. આમાં તમાકુના માવા પણ પોતાનો ઉદાર ફાળો આપતા જ હશે !
દેશના એક ખૂબ મહાન કાર્ડિયોલોજીસ્ટ દેવી શેટ્ટી સાથેનો પરિસંવાદ વાંચ્યો હતો જેમાં હતું:
"સર, હાર્ટ માટે સૌથી સારી વસ્તુ કઈ ?"
"ફ્રૂટ્સ અને વેજીટેબલ્સ."
"સર, હાર્ટ માટે સૌથી ખરાબ વસ્તુ કઈ ?"
"તેલ !"
"સર, કયું તેલ ?"
"કોઈ પણ તેલ !"
સાર એ છે કે તેલ વિષે વધુ પડતું વાંચવું નહીં, નહીંતર આપણને કોઈક ઘાણીમાં પીલીને તેલ કાઢતું હોય એવું લાગશે, બસ, તેલ ઓછું કરી નાખવું. હેબીટ્સ બદલવી બહુ મુશ્કેલ છે પણ અશક્ય નથી.
- બસ તો અંતમાં એટલું જ કહેવું છે કે નરકમાં પાપોની સજા આપણને ઉકળતાં તેલમાં નાખીને કરવામાં આવે છે અહીં આપણે ખોરાક તળીને ખાઈએ છીએ, પરિણામ સમાન જ છે !
તેલ તેલ શું કરો છો, અરે તેલ લેવા જાય તેલ !!
- ડૉ પ્રણવ વૈદ્ય
👍
👌
👏
😂
🙏
8